ન્યૂઝીલેન્ડની સરકારે બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો કાયદો બનાવવા માટે બિલ રજૂ કર્યું છે. ૧૬ વર્ષની નીચેની વયના બાળકોનો મોબાઈલ વપરાશ બેહદ વધી ગયો હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. ઓનલાઈન સેફ્ટી બિલમાં વિપક્ષે કેટલાય સુધારાને જરૂરી ગણાવ્યા છે એટલે આગામી દિવસોમાં એ પસાર થશે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં બાળકોની એક આખી પેઢીને નુકસાન થઈ રહ્યું છે. ૧૭ વર્ષથી નીચેના દર ત્રણમાંથી એક બાળકને મોબાઈલની લત લાગી ચૂકી છે. તેમનો સોશિયલ મીડિયા સ્ક્રીનટાઈમ પાંચ કલાક જેટલો થઈ ગયો છે. એ ચિંતાજનક છે. તેનાથી બાળકોનું પારિવારિક જીવન, મેન્ટલ હેલ્થ અને સ્ટડી ખરાબ થતાં હોવાનું સામે આવ્યું છે.
ન્યૂઝીલેન્ડની સરકારે ઓનલાઈન સેફ્ટી બિલ રજૂ કર્યું છે. એમાં વિપક્ષોએ કેટલાક પ્રાઈવસીને લગતા મુદ્દા ઉઠાવ્યા છે, પરંતુ મોટાભાગે એ પસાર થઈ જશે. સરકારે જોગવાઈ કરી છે એ પ્રમાણે ૧૬ વર્ષથી નીચેની વયના બાળકોના એકાઉન્ટ્સની ચકાસણી માટે કંપનીઓએ ડોક્યુમેન્ટ ચકાસવા પડશે. પેરેન્ટ્સની કોઈ જવાબદારી રહેશે નહીં, પરંતુ જો કંપનીઓ આ નિયમનું પાલન નહીં કરે તો તેમની ગ્લોબલ રેવન્યૂમાંથી ૧૦ ટકા સુધીનો દંડ વસૂલાશે.
શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડે કહ્યું હતું કે પૂરી પ્રોસેસ કંપનીઓએ પૂરી કરવી પડશે. પેરેન્ટ્સના બહાને કંપનીઓ છટકી શકશે નહીં. ન્યૂઝીલેન્ડની સરકારમાં ગઠબંધનની સહયોગી પાર્ટીઓ એવી દલીલ કરી ચૂકી છે કે બાળકોને મોબાઈલથી દૂર રાખવાની જવાબદારી પેરેન્ટ્સની હોવાથી એવી જોગવાઈ કરવી જોઈએ. જોકે, તેમણે આ બિલનો વિરોધ કર્યો નથી.
આ બિલ પસાર થઈ જશે તો ન્યૂઝીલેન્ડ પણ ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફ્રાન્સ, બ્રાઝિલ જેવા દેશોના લિસ્ટમાં સામેલ થઈ જશે. ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો એવો દેશ બન્યો હતો જ્યાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયો હતો.
——————————




