તેલંગાણાની રાજધાની હૈદરાબાદની પાસે આવેલા સિકંદરાબાદમાં એક ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. જાણવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બાઇકને ચાર્જ કરતી વખતે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે સમગ્ર શોરૂમને લપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. જણાવી દઈએ કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે.
હૈદરાબાદના નોર્થ ઝોનના અપર ડીસીપીએ જણાવ્યું હતું કે, ‘શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે આવેલ ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમની ઉપર એક લોજ હતી જેમાં ઘણા લોકો ફસાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે અને હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.’
આ પહેલા પણ એપ્રિલ મહિનામાં તમિલનાડુમાં આવી જ એક ઘટના બની હતી. તમિલનાડુના પોરુર-કુંદરાતુર પણ એક એવી ઘટના બની હતી. શોરૂમમાં એક કસ્ટમરે તેની ઈ-બાઈકની બેટરી ચાર્જ પર મૂકી હતી અને થોડા જ સમયમાં તેમાં આગ લાગી ગઈ હતી અને ધીમે ધીમે આખો શોરૂમ આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટનામાં 5 નવા ઈલેક્ટ્રિક સ્કૂટર અને સર્વિસિંગ માટે આવેલા 12 જૂના ઈલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઈ ગયા હતા.