અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી આશરે 2 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે. ઓનલાઇન માધ્યમથી બુક થતી રિક્ષા અને ટેક્સી સેવાઓમાં ચાલકોને પૂરતું વળતર ન મળતું હોવાનો આક્ષેપ કરીને આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ હડતાળના કારણે સામાન્ય જનજીવન અને મુસાફરી પર મોટી અસર પડવાની શક્યતા છે, જોકે રાહતની વાત એ છે કે સ્કૂલ રિક્ષા અને વાનની સેવાઓ યથાવત્ રહેશે તેવો દાવો યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે.
રિક્ષા અને ટેક્સી યુનિયનના જણાવ્યા અનુસાર, સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમ છતાં ઓનલાઇન ટેક્સી બુકિંગ એપ્લિકેશન જેવી કે ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સીના એગ્રિગેટર્સ સરકારી નીતિ-નિયમો મુજબ ચાલકોને યોગ્ય વળતર આપતા નથી. આ કેબ કંપનીઓ માર્કેટમાં એકબીજા સાથેની હરીફાઈમાં ખૂબ જ ઓછું ભાડું વસૂલે છે, જેમાંથી ડ્રાઇવરોને કિલોમીટર દીઠ માત્ર 8થી 10 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. મોંઘવારીના આ સમયમાં આટલી ઓછી કમાણીમાં ઘર ચલાવવું ડ્રાઇવરો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે.
હાલના તબક્કે આ આંદોલન મુખ્યત્વે અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તાર પૂરતું સીમિત છે. યુનિયનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ ચાર દિવસની હડતાળ બાદ પણ વળતર સહિતની તેઓની વાજબી માગણીઓ નહીં સંતોષાય અને કોઈ ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે તો આ આંદોલનને સમગ્ર રાજ્યવ્યાપી બનાવવામાં આવશે. આ ઉપરાંત, યુનિયનો દ્વારા વિશાળ રેલી કાઢીને આરટીઓ (RTO) તથા ગાંધીનગર સ્થિત સંબંધિત સરકારી કચેરીઓનો ઘેરાવ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.
મુસાફરોની મુશ્કેલીમાં થશે વધારો
સતત ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સીની સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેવાના કારણે સામાન્ય નાગરિકો માટે મુસાફરી કરવી પડકારજનક બનશે. ખાસ કરીને રોજિંદા નોકરિયાતો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ ઉપરાંત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ઍરપૉર્ટ તરફ જતા-આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.






