ભાજપના NDAના 3 સહયોગી પક્ષો, LJP (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન, રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહા અને TDPએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા ચૂંટણી પંચ પાસે SIR (વિશેષ સઘન પુનરીક્ષણ) અંગે ખુલાસો માંગ્યો છે. દિલ્હીમાં આ નેતાઓએ લોકોમાં ઉભેલી મૂંઝવણ દૂર કરવા તાત્કાલિક સ્પષ્ટતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ચૂંટણી પંચે કહ્યું કે, નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે.
વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIRને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ભાજપના નેતૃત્વ હેઠળના NDAના ત્રણ સહયોગી પક્ષોએ ચૂંટણી પંચ પાસે સ્પષ્ટતા માગી છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન, રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહા અને તેલુગુ દેશમ પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયા અંગે ઊભા થયેલા સવાલો અને લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.કેન્દ્રીય મંત્રી અને LJP (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેને કોઈ સરકારના બચાવની જરૂર નથી. જોકે, ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોના મનમાં સવાલો ઊભા થયા હોય તો ચૂંટણી પંચે પોતાનું વલણ સ્પષ્ટ રીતે લોકો સમક્ષ રજૂ કરવું જોઈએ. પાસવાને કહ્યું કે જો લોકોનો ચૂંટણી વ્યવસ્થા પરથી વિશ્વાસ ઓછો થવા લાગે તો તે લોકશાહી માટે યોગ્ય સ્થિતિ નથી. તેથી ચૂંટણી પંચે લોકોના મનમાં રહેલી મૂંઝવણ દૂર કરવી જરૂરી છે.
રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ SIR અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે SIRના વિવાદને કારણે લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે અને ચૂંટણી પંચે વાસ્તવિક સ્થિતિ અંગે ખુલાસો કરવો જોઈએ. જયારે TDPના લોકસભા નેતા લાવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુએ કહ્યું કે આંધ્ર પ્રદેશમાં SIRની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઈ હતી અને મતદારોને પોતાની ચિંતા રજૂ કરવા માટે સમય તથા તક આપવામાં આવી હતી. જોકે, તેમણે પણ કહ્યું કે કોઈ સવાલ ઊભો થાય ત્યારે ચૂંટણી પંચે યોગ્ય ખુલાસો કરવો અને પારદર્શિતા જાળવવી જરૂરી છે.






