નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026 ના 7મા દિવસે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મુકાબલામાં ઈરાનને 37-34 થી હરાવીને ગોલ્ડ મેડલ (સુવર્ણ પદક) પોતાના નામે કર્યો છે. એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ક્ષેત્રે ભારતનો આ ચોથો મેડલ છે, જ્યારે આ ચાલુ એશિયન ગેમ્સ 2026માં ભારતનો આ કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
7મા દિવસે ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, શૂટિંગ, કબડ્ડી, હોકી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્ક્વોશ, તીરંદાજી, સેલિંગ, સર્ફિંગ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા.
મેન્સ મેરેથોનમાં સાવનને સિલ્વર
સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી. સાવને રેસની શરૂઆતથી જ દમદાર પ્રદર્શન બતાવ્યું હતું.






