સુપ્રીમ કોર્ટે સૂચન કર્યુ છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇ-ચલણ પેટે લગભગ ૨૦,૦૦૦ કરોડ રુપિયાની રકમ બાકી છે. હવે આ રકમને વસૂલવા માટે ટ્રાફિક ચલણને વીજબિલમાં જોડવા પર વિચાર કરવો જોઈએ. જસ્ટિસ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચે ટ્રાફિક નિયમોના ભંગમાં ઇ-ચલણની વસૂલાત સાથે જોડાયેલી અરજીની સુનાવણી કરતાં આ વાત જણાવી હતી.
જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું હતું કે અધિકારીઓએ ફક્ત ઇ-ચલણ જારી કરીને જ હાખ ખંખેરી લેવા ન જોઈએ. દંડની વસૂલાત પર પણ ધ્યાન આપવું જોઈએ. પોલીસ આવા હજારો-લાખો ઇ-ચલણ જારી કરી શકે છે. અસલી સવાલ ઇ-ચલણ દ્વારા ઠપકારવામાં આવેલા દંડની વસૂલાતનો છે. બેન્ચે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ઇ-ચલણ જારી કરવામાં આવ્યા હોવા છતાં પણ દંડની વસૂલાત ઘણી ઓછી છે.
આના અંગે બેન્ચે જણાવ્યું હતું કે જે લોકો ઇ-ચલણના દંડની ચૂકવણી કરતાં નથી તેમની દંડ પેટે બાકી નીકળતી રકમ વીજ બિલમાં જોડી દેવામાં આવે. તેમણે વીજળીના બિલની તો ચૂકવણી કરવી જ પડશે. આમ નહીં થાય તો વીજ જોડાણ કપાઈ જશે. આ જો અધિકારીઓએ આ યોજના પર કામ કર્યુ તો બાકી ચલણને વીજ બિલમાં જોડવામાં આવે તો વીજળીનું બિલ વધી જશે. આ વધેલું બિલ દરેક સ્થિતિમાં ચૂકવવું પડશે. આમ નહીં કરે તો વીજ જોડાણ કપાઈ જશે. આ સૂચન ત્યારે આવ્યું જ્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જુદાં-જુદાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇ-ચલણ હેઠળ લગભગ રુ. ૪૫,૦૦૦ કરોડની રકમ બાકી હતી. તેમાથી ફકત ૨૫,૦૦૦ કરોડ રુપિયાની વસૂલાત થઈ ચૂકી છે. આમ ૨૦,૦૦૦ કરોડ રકમની વસૂલાત બાકી છે.






