ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. એવામાં કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે અઢળક ઉમેદવારોના બાયોડેટા મળ્યા.
કોંગ્રેસમાં હવે ચૂંટણી લડવા માટેના મુરતિયાઓનું મંથન પણ શરુ થઇ ગયું છે. કોંગ્રેસમાં ચૂંટણી લડવા અઢળક બાયોડેટાઓ મળ્યા છે. 600થી વધુ મુરતિયાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. આ સાથે ચૂંટણી લડવા ઇચ્છુક માટે બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે. વરસાદના કારણે બાયોડેટા આપવાની મુદતમાં પણ વધારો કરાયો છે. સીટિંગ MLAની બેઠક પર મર્યાદિત બાયોડેટા મળ્યા છે.
આગામી ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને લઇ થોડાક દિવસો અગાઉ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટેના માપદંડ સહિતના જુદા-જુદા સૂચનો માટે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીના 42 સભ્યોએ ઉમેદવાર પસંદગી માટેના 130 જેટલા સકારાત્મક સૂચનો કર્યા હતા. જેમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ 12 સપ્ટેમ્બર સુધીમાં જીલ્લા કાર્યાલય ખાતે પોતાના બાયોડેટા મોકલી આપવાના તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ વરસાદના કારણે ચૂંટણી લડવા ઇચ્છુક લોકોના બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે.