ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ આમ આદમી અને વેપારીઓ પર મોંઘવારીનો તગડો ઝાટકો વાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર 2026ના રોજ સવારે જ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો પૂર્વે જ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 62.50 નો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
સતત બીજા મહિને થયેલા આ ભાવવધારાથી હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે આ વધારાથી તેમનું પ્રોડક્શન કોસ્ટ વધી જશે અને પરિણામે બહાર ખાવાનું મોંઘું બની શકે છે..તાજેતરમાં થયેલા ભાવવધારા બાદ દેશના પ્રમુખ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ જોઈએ તો દિલ્હીમા કોમર્શિયલ સિલિન્ડર રૂ. 62.50 મોંઘો થઈને હવે રૂ. 2,810 ના સ્તરે પહોંચી ગયો છે. આ પહેલાં સપ્ટેમ્બરના પ્રારંભે પણ તેમાં રૂ. 9.50 નો વધારો થયો હતો.બિહારની રાજધાની પટનામાં દેશનો સૌથી મોંઘો કોમર્શિયલ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યાં ભાવ રૂ. 3,029 થી ઉછળીને સીધો રૂ. 3,100.50 થઈ ગયો છે. દર મહિનાની 1 લી તારીખે ઓઈલ કંપનીઓ દ્વારા ગેસના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને તે મુજબ જ આ નવા દરો અમલી બન્યા છે.





