ઓમાનના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સલામતી અંગે મોટી ચિંતા વ્યક્ત થઈ રહી છે. એમટી પેટ્રો ડોલ્ફિન નામના આ ટેન્કરમાં કુલ 11 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ હુમલા બાદ સ્થાનિક કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, 11મી ઓક્ટોબરના રોજ સોહર એન્કોરેજ નજીક આ ટેન્કરને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હુમલા બાદ ટેન્કરમાંથી 9 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ 2 ક્રૂ મેમ્બર્સ ગુમ હોવાથી તેની શોધખોળ માટે સઘન બચાવ કામગીરી ચાલુ છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ આ સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યું છે અને સંબંધિત સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
આ દુર્ઘટના એવા સમયે ઘટી છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાં વાણિજ્યિક જહાજોની અવરજવર અને સુરક્ષા સામે જોખમ વધી રહ્યું છે. અગાઉ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નેવી દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં એક મોટું ઓઈલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે લેન્ડમાઈન સાથે અથડાતા તેમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.
IRGC દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ જહાજે પોતાની નેવિગેશન અને પોઝિશનિંગ સિસ્ટમ બંધ કરી દીધી હતી અને પ્રતિબંધિત માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ઈરાની દળોએ કડક ચેતવણી પણ આપી છે કે જે જહાજો આ ક્ષેત્રમાં પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ કરશે તેમને પ્રતિકૂળ લક્ષ્ય ગણીને કાનૂની કે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.






