રશિયા પાસેથી ડીઝલની ખરીદી માટે તેના પરના પ્રતિબંધો હટાવવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો અમેરિકામાં જ ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના સાંસદ બ્રાયન ફિટ્ઝપૈટ્રિકે ટ્રમ્પના આ નિર્ણયને રોકવા માટે એક દ્વિદલીય બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે. બીજીબાજુ રશિયન ડીઝલ પરના પ્રતિબંધો હટતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે તેવી ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે.
પશ્ચિમ એશિયામાં ઈરાન સામેના યુદ્ધના કારણે અમેરિકામાં ડીઝલના ભાવ એક મહિનાથી વિક્રમી છ ડોલરથી ઉપર છે ત્યારે ડીઝલના ભાવ ઘટાડવા પ્રમુખ ટ્રમ્પે યુક્રેન સામે યુદ્ધે ચઢેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ડીઝલની ખરીદીનો સોદો કર્યો છે. ટ્રમ્પના આ સોદાનો હવે અમેરિકામાં જ વિરોધ શરૂ થઈ ગયો છે.ટ્રમ્પના જ પક્ષ રિપબ્લિકન પાર્ટીના સાંસદ બ્રાયન ફિટ્ઝપૈટ્રિકે ટ્રમ્પના નિર્ણયના અમલને રોકવા માટે એક દ્વિપક્ષીય બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે. તેમને રિપબ્લિકન પક્ષના જ સાંસદ ડોન બેકનનું પણ સમર્થન મળ્યું છે. ડોન બેકન આ બિલના સહપ્રસ્તાવક બનવા માટે તૈયાર થઈ ગયા છે.





