સીબીઆઈએ બેંક ભરતીમાં પાંચ વર્ષ જૂના ડેટાની તપાસ કરીને નોકરી મેળવનારા નકલી ઉમેદવારોનો ખુલાસો કર્યો છે. પરીક્ષા દરમિયાન એકત્ર કરાયેલા આંખોના સ્કેનદ્વારા છેતરપિંડીથી નોકરી મેળવનારા 257 શંકાસ્પદ ઉમેદવારો મળી આવ્યા છે.
આમાંથી 172 ઉમેદવારો અલગ-અલગ બેંકોમાં નોકરી કરી રહ્યા હતા. સીબીઆઈ હવે દેશભરમાં અન્ય નકલી અધિકારીઓની શોધમાં લાગી છે. આઈબીપીએસે આ તમામ કાર્યરત લોકો ઉપરાંત અન્ય શંકાસ્પદ ઉમેદવારોને પણ આજીવન પરીક્ષામાંથી ડિબાર કરી દીધા છે.સંબંધિત બેંકોને તેમના સર્વિસ નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હવે તેમની નોકરી જવાની સાથે ધરપકડની તલવાર પણ લટકી રહી છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જ્યારે 135 લોકોને આરોપી બનાવ્યા છે. આ સંદર્ભે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં આરોપીઓની ધરપકડ અને કાર્યવાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં તો આ મામલે તપાસ બાદ ગ્રામીણ બેંકના 19 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ 8 ઑક્ટોબરે જણાવ્યું હતું કે CBIની સ્પેશિયલ ટાસ્ક બ્રાન્ચ, મુંબઈએ અનેક રાજ્યોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનની ફરિયાદના આધારે નોંધાયેલી FIR બાદ કરવામાં આવી હતી. IBPSએ બેન્ક ભરતી પરીક્ષાઓના ઉમેદવારોના ફોટા અને બાયોમેટ્રિક રેકોર્ડની ફરી તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું કે કેટલાક ઉમેદવારોની જગ્યાએ અન્ય લોકોએ પરીક્ષા આપી હતી. ફોટા અને બાયોમેટ્રિક ઓળખમાં તફાવત મળતાં શંકાસ્પદ કર્મચારીઓની ઓળખ કરવામાં આવી હતી.2020થી 2024 સુધીની ભરતી પરીક્ષાઓના રેકોર્ડની ફરીથી તપાસ કરવામાં આવી. આ વખતે પરીક્ષા સમયે લેવામાં આવેલા ઉમેદવારોના આઇરિસ સ્કેન સાથે સરખામણી કરવામાં આવી હતી.






