ઇટલી હાલમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો અને ભીષણ હિંસાની લપેટમાં આવી ગયું છે. મિલાન સહિત દેશના અનેક મોટા શહેરોમાં રમખાણો અને તોડફોડની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં થયેલી હિંસક અથડામણોમાં 100થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે અનેક દુકાનોમાં લૂંટફાટ, તોડફોડ અને વાહનોને સળગાવી દેવાની ઘટનાઓ સામે આવી છે. આ ગંભીર પરિસ્થિતિને થાળે પાડવા માટે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે એક કડક નવો સુરક્ષા વટહુકમ મંજૂર કર્યો છે.
વડાપ્રધાન મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે રાજકીય કે આર્થિક વિરોધના નામે હિંસા અને તોડફોડને સાંખી લેવામાં આવશે નહીં. નવા કાયદા હેઠળ, પાંચ કે તેથી વધુ લોકોના જૂથમાં હિંસક પ્રદર્શનો કરનારાઓને 5 વર્ષ સુધીની જેલ અને $22,500 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઓળખ છુપાવીને હિંસા કરનાર કે પૂર્વઆયોજિત તોડફોડ કરનાર પ્રદર્શનકારીઓ સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે જો સગીર બાળકો જાહેર કે ખાનગી મિલકતને નુકસાન પહોંચાડશે, તો તેની આર્થિક જવાબદારી તેમના માતા-પિતા પર રહેશે. ક્ષતિગ્રસ્ત પોલીસ વાહનો, ટ્રાફિક સિગ્નલો કે દુકાનોના નુકસાનનું વળતર વાલીઓએ ચૂકવવું પડશે, જેથી કરદાતાઓ અને વેપારીઓ પર આર્થિક બોજ ન પડે.
નવા આદેશ મુજબ, 14 થી 17 વર્ષના સગીરોને જાહેર શાંતિ ભંગ થવાની આશંકાના આધારે પોલીસ નિવારક અટકાયતમાં લઈ શકશે. આ ઉપરાંત, 14 વર્ષથી વધુ વયના કિશોરોને પોતાના કૃત્ય માટે જવાબદાર માનવામાં આવશે. ઇટાલી સરકારે વર્ષના અંત સુધીમાં મિલાનમાં વધુ 1000 સૈનિકો તૈનાત કરવાનો અને કિશોરો માટે અટકાયત કેન્દ્રો વધારવાનો નિર્ણય લીધો છે. આ વટહુકમ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેને કાયમી કાયદો બનાવવા માટે 60 દિવસમાં સંસદની મંજૂરી મેળવવી જરૂરી રહેશે.
———————-






