દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે અમદાવાદ એરપોર્ટ હોટ ફેવરિટ છે. એરપોર્ટ પરથી સમયાંતરે સોનાની દાણચોરી ઝડપાતી રહે છે. આ દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે સળંગ બે દિવસ સુધી ઠેર-ઠેર દરોડા પાડીને સોનાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ કવાયત દરમિયાન દાણચોરીમાં સંડોવાયેલા ત્રણ જણને ઝડપી લેવાયા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સેએ ગુજરાતમાં સક્રિય સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વડોદરામાં ગેરકાયદેસર રીતે સોનું ઓગાળવાના એક યુનિટની ભાળ મળી હતી. આ યુનિટ રૂ. 19.41 કરોડની કિંમતના 13 કિલો વિદેશી સોનાના વ્યવહારો સાથે સંકળાયેલું હતું.સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સિન્ડિકેટ રાજ્યના બે અમદાવાદ અને સુરત એરપોર્ટનો ઉપયોગ દાણચોરીનું સોનું લાવવા માટે કરતી હતી. આ સોનાને ઓગાળવા માટે વડોદરા મોકલવામાં આવતું અને ત્યારબાદ અમદાવાદ સહિતના ઝવેરીઓને પહોંચાડવામાં આવતું હતું. ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈ અધિકારીઓએ શંકાસ્પદો પર નજર રાખી હતી અને 16 ઓક્ટોબરથી શરૂ કરીને 42 કલાક સુધી સંકલિત દરોડા પાડ્યા હતા. આ ઓપરેશન દરમિયાન આ રેકેટ સામે આવ્યું હતું.
પ્રાથમિક તપાસ મુજબ, વિવિધ વિદેશી એરપોર્ટ પરથી મુસાફરોને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવતા હતા. સોનું રોડિયમ કોટેડ વાયર, ટ્રોલી બેગના અંદરના અસ્તરમાં છુપાવીને તથા ટ્રોલી બેગના અંદરના શેલમાં પેસ્ટના સ્વરૂપમાં એમ વિવિધ રીતે છુપાવીને લાવવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ આ સોનું એરપોર્ટ બહાર હેન્ડલર્સને સોંપવામાં આવતું હતું અને વચેટિયાઓ મારફતે વડોદરા ખાતેની ગેરકાયદે સોનું ઓગાળવાની ફેસિલિટીમાં પહોંચાડવામાં આવતું હતું. ઓગાળેલું સોનું ત્યારબાદ રોકડના બદલામાં વેચાણ માટે અમદાવાદની એક જ્વેલરી શોપમાં સપ્લાય કરવામાં આવતું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, આ ઓપરેશન દરમિયાન આશરે 890 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે ઓગાળવામાં આવેલા 6.41 કિલો સોના સંબંધિત પુરાવાઓ મળી આવ્યા છે. જ્વેલરી શોપ પર વધુ તપાસ દરમિયાન બિનહિસાબી વિદેશી મૂળના સોનાના બિસ્કિટ તથા દુબઈ સ્થિત મુખ્ય ફાઇનાન્સર સાથે જોડાયેલા અલગ હેન્ડલર મારફતે લાવવામાં આવેલા આશરે 5.8 કિલો દાણચોરીના સોનાના વ્યવહારોના રેકોર્ડ મળી આવ્યા છે.
દાણચોરીનું સોનું અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનાં બજારોમાં આવી જતા આવા વેપારીઓ બજારભાવ કરતા થોડું સસ્તું સોનું વેચી શકતા હોય છે. તેમને એક તોલે રૂ. 15 હજારનો ફાયદો થતો હોવાથી તેઓ ચોક્કસ રકમ ઓછી લઈને સોનું વેચતા હોય છે. જ્યારે તેની સામે બિલથી જ સોનું ખરીદીને વેચતા વેપારીઓને વેપાર કરવામાં તકલીફ પડી રહી હોવાનું સોની બજારના વેપારીઓએ જણાવ્યું હતું.






