દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનો અહેસાસ વધવા લાગ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત્ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી પડવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં હવાના ઓછા દબાણનો વિસ્તાર સર્જાઈ શકે છે. આ હવામાન પ્રણાલીની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 26 ઑક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત, 21થી 26 ઑક્ટોબર દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, કેરળ, યનમ, રાયલસીમા અને માહેમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી સ્થાનિક લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.






