સુદાનમાં ચાલી રહેલું ગૃહયુદ્ધ હવે અત્યંત ખતરનાક વળાંક લઈ ચૂક્યું છે. તાજેતરમાં સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચેના વિવાદિત સરહદી ક્ષેત્ર અબેઈના એક વ્યસ્ત બજારમાં થયેલા ભીષણ ડ્રોન હુમલામાં 153 થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલામાં અનેક નિર્દોષ બાળકો અને મહિલાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાની લહેર દોડી ગઈ છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રોન હુમલો અબેઈના અમીટ બજારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી અને ભયાનક હતો કે ક્ષણવારમાં જ ત્યાં ભીષણ આગ લાગી ગઈ અને ચારેય તરફ આગની જ્વાળાઓ ફેલાઈ જવાથી ભારે નાસભાગ તથા ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અને મૃત્યુઆંક હજુ વધવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક અધિકારીઓ અને દક્ષિણ સુદાનના વિદેશ મંત્રાલયે આ ઘાતક હુમલા માટે સીધી રીતે સુદાનની સેનાને જવાબદાર ઠેરવી છે. અબેઈના કાર્યકારી માહિતી પ્રધાન યોહાના અકોલ ન્ગોરે જણાવ્યું હતું કે સુદાનની સેના દ્વારા નાગરિક વિસ્તારોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ગંભીર ઘટના બાદ દક્ષિણ સુદાનના વિદેશ મંત્રાલયે સુદાનના રાજદૂતને સમન્સ પણ પાઠવ્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, હુમલામાં બજારના અનેક સ્થળો તબાહ થઈ ગયા છે અને વ્યાપક સંપત્તિને ભારે નુકસાન થયું છે
માલીમાં પણ આતંકવાદી હુમલો: 48 લોકોના મોત
આફ્રિકાના અન્ય એક દેશ માલીમાં પણ હિંસાની મોટી ઘટના સામે આવી છે. પૂર્વી માલીના મેનાકા ક્ષેત્રમાં સપ્તાહના અંતે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે સંકળાયેલા આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલામાં 48લોકો માર્યા ગયા છે. સ્થાનિક ધારાસભ્ય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ આતંકવાદી હુમલામાં પણ બાળકો અને વૃદ્ધોને છોડવામાં આવ્યા ન હતા. આ સળંગ ઘટનાઓ દર્શાવે છે કે આફ્રિકી ખંડમાં નાગરિકોનું જીવન સુરક્ષિત નથી રહ્યું.
——————-





