ગુજરાતમાં હાલમાં રાજકીય નેતાઓ અને અન્ય લોકો દ્વારા સરકારી શાળાઓમાં અચાનક જઈને ચેકિંગ કરવા અને વિવાદો સર્જાવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ સરકારે આ મોટો નિર્ણય લીધો છે.જેમાં હવે સરકારી શાળામાં મંજૂરી વિના પ્રવેશ અને ફોટો- વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ નવા પરિપત્રની વિગતો અનુસાર હવેથી કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ કે બહારના વ્યક્તિએ સરકારી શાળાની મુલાકાત લેવા માટે અગાઉથી લેખિત મંજૂરી મેળવવી પડશે. આ ઉપરાંત, શાળા પરિસરમાં આવતા દરેક મુલાકાતીઓની નોંધ રાખવા માટે તમામ શાળાઓમાં ‘વિઝિટર રજિસ્ટર’ રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી શાળામાં કોણ આવે છે અને કોને મળે છે તેની સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહેશે.
આ પરિપત્ર મુજબ શાળાના પરિસરમાં પરવાનગી વિના ફોટા પાડવા કે વિડિયો રેકોર્ડ કરવા પર પ્રતિબંધ છે. તેમજ જે વ્યક્તિઓ આ નિયમોનું ઉલ્લંઘન કરીને શાળામાં પ્રવેશ કરશે અથવા અધિકૃત પરવાનગી વિના ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નવા નિયમોના અમલીકરણથી શાળાઓમાં બિનજરૂરી દખલગીરી અટકશે અને શૈક્ષણિક કાર્ય સુચારૂરૂપે ચાલી શકશે.






