દેશના ઔદ્યોગિક ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુની મુખ્ય ભૂમિકા સામે આવી છે. કારખાનાઓની સંખ્યામાં તમિલનાડુ, ઉત્પાદનમાં ગુજરાત અને રાષ્ટ્રીય આવકમાં યોગદાનની બાબતમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. દેશના 2018 લાખ કારખાનાઓમાં 2.10 કરોડ લોકોને રોજગારી મળી છે. આંકડાશાસ્ત્ર મંત્રાલયના એક અહેવાલ મુજબ, દેશમાં નાના કારખાનાઓની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ કુલ મૂડીનો 79.59 ટકા હિસ્સો મોટા ઉદ્યોગો પાસે છે.
રિપોર્ટ મુજબ, દેશના 2.18 લાખ કારખાનાઓમાં 2.10 કરોડ લોકોને રોજગારી મળી છે. એક કારખાનું સરેરાશ 96 લોકોને રોજગારી આપે છે. તેમાં રૂ. 2,339 લાખની સ્થિર મૂડી રોકાયેલી છે. તે રૂ. 7,561 લાખ મૂલ્યની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. આનાથી રાષ્ટ્રીય આવકમાં રૂ. 1052 લાખનું નેટ વેલ્યુ એડિશન થાય છે.
રિપોર્ટ મુજબ,આ કારખાનાઓએ કર્મચારીઓને રૂ. 8.03 લાખ કરોડનું મહેનતાણું ચૂકવ્યું હતું. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા માટે તમિલનાડુના મજબૂત કારખાના નેટવર્ક, ગુજરાતની રોકાણ અને ઉત્પાદન ક્ષમતા તેમજ મહારાષ્ટ્રના વેલ્યુ એડિશન અને ઔદ્યોગિક ઉત્પાદકતા વચ્ચેનો સમન્વય જરૂરી છે. ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે નાના કારખાનાઓને સસ્તી મૂડી, આધુનિક મશીનરી અને બજાર સાથે જોડવા પડશે.
ખાદ્ય ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ 22.02 ટકાના યોગદાન સાથે સૌથી આગળ છે. ખાદ્ય ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સંયુક્ત હિસ્સો 37.61 ટકા છે. કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સ ઉદ્યોગમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો મળીને 56.31 ટકા હિસ્સો છે.
ગ્રોસ વેલ્યુ એડિશનમાં બેઝિક મેટલ ઉદ્યોગ 11.58 ટકા યોગદાન સાથે પ્રથમ સ્થાને છે. મોટર વાહન ઉદ્યોગનું યોગદાન 9.54 ટકા અને રસાયણ તેમજ રાસાયણિક ઉત્પાદનોનું યોગદાન 8.45ટકા રહ્યું હતું. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 8.08 ટકા અને ખાદ્ય ઉત્પાદને 7.87 ટકાનું યોગદાન આપ્યું હતું. આ છ મુખ્ય ઉદ્યોગોએ મળીને દેશના કુલ ગ્રોસ વેલ્યુ એડિશનમાં 52.41 ટકા યોગદાન આપ્યું હતું. આ ઉદ્યોગોનો કુલ સ્થિર મૂડીમાં પણ 50.01 ટકા હિસ્સો છે.




