કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુલાકાત લેનારા તમામ લોકો હવે દિલ્હી પોલીસના રડાર પર આવી ગયા છે. જેલની અંદર રહીને બહાર ચાલતા ગુનાખોરીના નેટવર્કને તોડી પાડવા માટે દિલ્હી પોલીસે એક અત્યંત મહત્વપૂર્ણ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત દિલ્હી પોલીસે ગુજરાતની અમદાવાદ સ્થિત સાબરમતી સેન્ટ્રલ જેલના સત્તાધીશોને એક સત્તાવાર પત્ર લહીને લોરેન્સ બિશ્નોઈને મળવા આવેલા અથવાઆ વ્યક્તિગત રીતે મુલાકાત કરવાની ઈચ્છા ધરાવતા તમામ મુલાકાતીઓની સંપૂર્ણ વિગતો માંગી છે.
પોલીસ તંત્રનું માનવું છે કે જેલની બહાર રહીને બિશ્નોઈ ગેંગનું સંચાલન કરતાં શખ્સો મુલાકાતના બહાને તેના સંપર્કમાં રહેતા હોય શકે છે. આ સંભવિત કનેક્શન અને ગુનાહિત ષડ્યંત્રનો પર્દાફાશ કરવા માટે મુલાકાતીઓની યાદી તપાસવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં બિશ્નોઈ ગેંગના નામે મોટા વેપારીઓ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હસ્તીઓને ખંડણી માટે ધમકીભર્યા ફોન અને સંદેશાઓ મળવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસે આ આકરું પગલું ભર્યું છે.
આ સમગ્ર મામલે એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપી હતી કે જેલ સત્તાધીશો તરફથી મુલાકાતીઓની સત્તાવાર વિગતો પ્રાપ્ત થયા બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમો દ્વારા આ તમામ લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ તપાસ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે કયા વ્યક્તિઓ કયા હેતુથી ગેંગસ્ટરને મળ્યા હતા અને તેમનું ગેંગની ગતિવિધિઓ સાથે કોઈ સીધું કે આડકતરું જોડાણ છે કે કેમ.
—————————-





