અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચશે.આ દરમિયાન તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત થઈ શકે છે.સાથે જ વિશ્વની ત્રણ મોટી પરમાણુ શક્તિઓ—અમેરિકા, ચીન અને રશિયાના નેતાઓની પ્રથમ વખત બેઠક પણ યોજાશે. આ બેઠકમાં પરમાણુ હથિયારો, વૈશ્વિક શાંતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર ચર્ચા થઈ શકે છે.
APEC સમિટ આજથી બે દિવસ ચીનના શેનઝેનમાં યોજાઈ રહી છે. તેમાં એશિયા-પેસિફિક ક્ષેત્રની 21 અર્થવ્યવસ્થાઓના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આમાં અમેરિકા, ચીન, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયા જેવા દેશો સામેલ છે.ચીન 12 વર્ષ બાદ ત્રીજી વખત આ સમિટની યજમાની કરી રહ્યું છે. આ વર્ષની થીમ છે—’બિલ્ડિંગ એશિયા-પેસિફિક કમ્યુનિટી ટુ પ્રોસ્પર ટુગેધર’ એટલે કે સાથે મળીને પ્રગતિ કરતો એશિયા-પેસિફિક સમુદાય.
ટ્રમ્પ અને જિનપિંગની ગુરુવારે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ વર્ષે બંને નેતાઓની આ ત્રીજી રૂબરૂ મુલાકાત હશે. તેમાં વેપાર અને ટેક્નોલોજીને લઈને ચાલી રહેલા તણાવને ઘટાડવા અંગે ચર્ચા થઈ શકે છે.અમેરિકાના કૃષિ વિભાગ મુજબ, ચીને 2024માં 2.68 કરોડ ટન સોયાબીન ખરીદ્યું હતું, જે 2025માં ઘટીને 72 લાખ ટન રહી ગયું. ચીને આગામી ત્રણ વર્ષ સુધી દર વર્ષે 2.5 કરોડ ટન સોયાબીન ખરીદવાનું વચન આપ્યું હતું.સાથે જ 2028 સુધી દર વર્ષે 17 અબજ ડૉલરના અન્ય અમેરિકન કૃષિ ઉત્પાદનો ખરીદવાની વાત પણ કહી હતી.
ચીને 2025માં તેની નિકાસ પર કડકાઈ કરી હતી, જેના કારણે અમેરિકન કંપનીઓને સપ્લાય અટકી જવાનો ડર હતો.ગયા વર્ષે ચીને પ્રતિબંધો પર રોક લગાવી હતી, જેને હવે 10 જાન્યુઆરી 2027 સુધી લંબાવી દેવામાં આવી છે. અમેરિકા ઇચ્છે છે કે, સપ્લાય ચાલુ રહે, જ્યારે ચીન અમેરિકન ટેરિફમાં ઘટાડો ઇચ્છે છે. ત્રણેય નેતાઓની બેઠક ઉપરાંત ટ્રમ્પ અને પુતિનની અલગથી બેઠકને લઈને પણ ચર્ચા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું કહેવું છે કે, બંને નેતાઓ શેનઝેનમાં સાથે હશે તો તેમની મુલાકાત ચોક્કસ થશે. આ માટે સ્થળ અને વાતચીતની રીત અંગે ચર્ચા ચાલી રહી છે.
–





