અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન,ભારત સહિત 16 દેશો પર નવો ટેરિફ ઝીંકવાની તૈયારી કરી રહ્યા છે. આ દેશો પર સરકારી સબસિડી અને બીજી આર્થિક મદદ દ્વારા તેમના ઘરેલું ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યાનો આરોપ છે. જેના કારણે અમેરિકાની કંપનીઓને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નુકસાન વેઠવું પડી રહ્યું છે.
એક રિપોર્ટ મુજબ, અમેરિકન વેપારી પ્રતિનિધિ જેમિસન ગ્રીસ આ સપ્તાહે અનેક દેશોની ઔદ્યોગિક સબસિડીને લઈ કરવામાં આવેલી તપાસના પરિણામો જાહેર કરી શકે છે. આ તપાસમાં ચીન, યુરોપીય સંઘ અને 14 અન્ય દેશોને સામેલ કરાયા છે. જોકે સૂત્રોનું કહેવું છે કે, આ તારીખમાં બદલાવ પણ થઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ, યુરોપીય સંઘ, જાપાન અને દક્ષિણ કોરિયા પર 15 ટકા કે તેનાથી વધારે ટેરિફ લગાવવામાં આવી શકે છે. તેના દર ટ્રમ્પ તંત્ર સાથે થયેલી વેપાર સમજૂતીની શરતો પર નિર્ભર રહેશે. અમેરિકન અધિકારીઓ મુજબ ચીનમાં ઉદ્યોગોને મોટા પાયે સરકારી સબસિડી આપવામાં આવે છે. જેની વૈશ્વિક બજારમાં ખૂબ મોટી અસર પડે છે. પ્રસ્તાવિત ટેરિફ આ દેશોમાંથી અમેરિકા આવતા મોટાભાગના સામાન પર લાગુ થઈ શકે છે. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનોને આમાંથી મુક્તિ મળવાની શક્યતા છે.
આ ઉત્પાદનો પર અમેરિકા પહેલાથી જ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જોગવાઈઓ હેઠળ ડ્યુટી લગાવી ચૂક્યું છે. હાલમાં નવા ટેરિફના દરો નક્કી થયા નથી. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે તેના દરો 2025માં લગાવવામાં આવેલા શરૂઆતના ટેરિફ જેવા હોઈ શકે છે.
————————





