પાલીતાણાના નોંઘણવદર ગામમાં રહેતા અને વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પરિવારને માર મારી જ્ઞાતિ વિશે અપમાનિત કર્યાની ફરિયાદ પાલીતાણા રૂરલ પોલીસ મથકના નોંધાઇ છે.
આ અંગે મળતી વિગતો મુજબ પાલીતાણાના નોંઘણવદર ગામમાં રહેતા પરેશભાઈ રસિકભાઈ ભલાણીની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા છોટાઉદેપુરના છોડવાની ગામના વતની ઢોલકીયાભાઈ ઉર્ફે પંકેશ શીવાભાઈ રાઠવાએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેના પત્ની સાથે પરેશભાઈની વાડીમાં છેલ્લા ચાર માસથી ભાગીયા તરીકે કપાસનું વાવેતર કરેલ હોય, આ કપાસમાં ભાગ નહીં દેવાના ઇરાદે પરેશભાઈએ પંકેશભાઈ અને તેમના પત્નીને બરાબર કામ કેમ કરતા નથી તેમ કહી જ્ઞાતિ વિશે હડધૂત કરી,ગાળો બોલી ધોલધપાટ મારી હતી, તેમજ તેમના દીકરાને પણ માર માર્યો હતો.આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસે પરેશ રસિકભાઈ ભલાણી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.