સંઘપ્રદેશ દમણના દરિયામાં રવિવારે દારૂનો નશો કરી નાહવા પડેલા પાંચ પર્યટકો દરિયામાં ડૂબ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ પાંચમાંથી બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ દરિયામાં દૂર સુધી તણાઈ ગયા હતા. બનાવને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. જેના કારણે દરિયાકિનારે દોડધામ મચી ગઈહતી. બનાવની જાણ થતાં દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દરિયામાં ડૂબેલા ત્રણ પર્યટકોને શોધવા પોલીસ, ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા.
જોકે, રાતનો સમય હોવાથી ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓએ દરિયામાં શોધખોળ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આથી સર્ચલાઈટની મદદથી કલાકો સુધી રાત્રે પણ શોધખોળ કરવામાં આવી હતી. બનાવની વિગત મુજબ, મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતા પાંચ યુવકો દમણ ફરવા આવ્યા હતા. જ્યાં તેમણે મોટી દમણના લાઇટ હાઉસ નજીકના દરિયા કિનારે ફરી ખાણીપીણીની મોજ કરી હતી. આ સાથે તેમણે દારૂનો નશો પણ કર્યો હતો. નશાની હાલતમાં જ તેઓ દરિયામાં નાહવા પડ્યા હતા. થોડી જ વારમાં તેઓ ડૂબવા લાગ્યા હતા.