ભાવનગરમાં એસ.ટી.ની સમાંતર ચાલતા ગેરકાયદે ખાનગી વાહનો સામે આખરે એસ.ટી.ની વીજીલન્સ સ્કોર્ડેએ કાયદાનો કોરડો વિંજ્યો છે. બે દિવસમાં નાના મોટા ૩૦ ખાનગી વાહનો સામે કાર્યવાહી કરી દંડ ફટકારવા તથા વાહન ડીટેઈન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે ખાનગી વાહનચાલકોમાં ફફડાટ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાનગી વાહનો ચાલવા દેવા મહિને રૂપીયા ૫૦ હજારનો હપ્તો એસ.ટી.ના વિભાગીય નિયામકે નક્કી કર્યો હતો. લાંચ લેવા જતા રંગેહાથ ઝડપાયા હતા. આ બનાવથી એસ.ટી. તંત્રને લાંછન લાગ્યુ છે. આથી તંત્ર વાહકોએ ખાનગી વાહનો સામે કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એસ.ટી. ડેપો તેમજ અન્ય પોઈન્ટ પરથી ખાનગી વાહન ચાલકો પેસેન્જરો ભરીને એસ.ટી.ની સમાંતર સેવા આપી રહ્યા છે. પરંતુ તંત્રના મત અનુસાર ખાનગી વાહન એસ.ટી.ની સમાંતર પેસેન્જરની હેરાફેરી કરી શકે નહી. માત્ર સ્પેશ્યલ વર્ધિમાં જ ખાનગી વાહનો સેવા આપી શકે છે. આમ ભાવનગર મહુવા કે ભાવનગરથી ગઢડા, બોટાદ સહિતના રૂટ પર ચાલતી ખાનગી મીનીબસ, ઈકો કાર સહિતના વાહનોમાં પેસેન્જરોની હેરાફેરી તદ્દન ગેરકાયદે છે. અને તેની સામે એસ.ટી. તંત્ર પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી શકે છે.
ભાવનગર એસ.ટી. વિજીલન્સ સ્કોર્ડ દ્વારા સોમવારે ગેરકાયદે ચાલતા આવા નાના મોટા ૨૫ વાહનો સામે સીટી ટ્રાફીક પોલીસને સાથે રાખી રૂા.૧૨,૫૦૦નો દંડ કરવામાં આવ્યો હતો જ્યારે મંગળવારે ત્રાપજ ખાતેથી ૫ ઈકો કારને જપ્ત કરી મેમો ફટકારવામાં આવ્યો હતો.
વિભાગીય નિયામક પરમારને કરાયા સસ્પેન્ડ : જામનગર બદલી કરી દેવાઈ
k
ભાવનગરમાં એસ.ટી વિભાગીય નિયામક એ.કે પરમાર ગત તા.૧૨ સપ્ટેમ્બરની રાત્રે રૂ.૫૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં હાલ જેલવાસ ભોગવે છે, દરમિયાનમાં ખાતાકીય કાર્યવાહીના ભાગરૂપે એ.કે પરમારને સસ્પેન્ડ કરી દેવાયા છે અને જામનગર બદલી કરી દેવાઈ છે. જેલમાંથી છૂટયા બાદ જામનગર કચેરીએ રોજે રોજ ત્યાં હાજરી પુરાવી પડશે.
અમદાવાદ મધ્યસ્થ કચેરીએથી સજાના ભાગરૂપે ભાવનગર મુકાયા હતા ?!
એસટી વર્તુળોમાં ચર્ચા મુજબ એ.કે.પરમારને અમદાવાદ મધ્યસ્થ કચેરીમાંથી ભાવનગર નિયામક પદે સજાના ભાગરૂપે જ બદલી કરાઈ હતી. આમ, સજા ભાવનગર આવ્યા પરંતુ અહી પણ તેની વહીવટ કુશળતા ઝળકાવતા આખરે સસ્પેન્ડ થયા છે, ઉલ્લેખનીય છે કે, ૧૨મિએ રાત્રે સરકારી નિવાસ સ્થાને બરમૂડામાં સજજ વિભાગીય નિયામકને રૂ.૫૦ હજારની લાંચ રકમ સાથે ઝાલી લેવાયા હતા.





