મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય યુવક મહોત્સવ અમૃત રંગ યુવા મહોત્સવનું બુધવારે સમાપન થયું ત્યારે તાળીઓના ગડગડાટ તેમજ કોલેજિયનનોની ચીચીયારીઓ વચ્ચે સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટને જનરલ ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. ગત યુવક મહોત્સવમાં રનર્સ અપ રહેલી આ કોલેજે આ વખતે નોંધપાત્ર દેખાવ કરીને વિજેતાપદ મેળવ્યું છે. જ્યારે સરદાર પટેલ ગ્રુપ ઓફ કોલેજીસને રનર્સ અપ જાહેર કરાઇ હતી.
સમગ્ર યુવક મહોત્સવના કાર્યક્રમમાં ૪૪ કોલેજાે દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને અંદાજિત ૭૨૫થી વધારે વિદ્યાર્થીઓએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું અને અંદાજિત ૩૬ જેટલી પ્રતિસ્પર્ધા યોજાઇ હતી. યુવક મહોત્સવમાં ભાગ લેનાર ટીમોની વિજેતા રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ રીતે આયોજિત યુવક મહોત્સવમાં પોતાની કલા પ્રદર્શિત કરી શકશે અને ત્યાર બાદ વેસ્ટ ઝોન અને ત્યાર બાદ રાજ્ય કક્ષા અને અંતમાં રાષ્ટ્રીય કક્ષાએ જઇ શકશે.
આર.જે. આકાશે પણ કલાનો પરિચય આપતા અવનવી કૃતિઓ રજૂ કરી યુવાનોમાં આનંદની લહેરખી પાથરી હતી અને યુવાનોમાં કેટલી ઉર્જા ભરેલી હોય છે તેનો પરિચય આપ્યો હતો. હાલની કલાને અનુરૂપ સ્ટાઇલીશ એવા યુવા ગાયક કલાકાર એવા ઇશાની દવેએ લેટેસ્ટ ગીત ગાઇને યુવાઓના મન મોહી લીધા હતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કા.કુલપતિ ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે તેઓ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના જ વિદ્યાર્થી રહ્યા છે અને તેઓએ પણ આવા યુવક મહોત્સવો માણ્યા છે.