ગુજરાતની વર્તમાન સરકારનું અંતિમ સત્ર તેમજ 14મી વિધાનસભાનું અંતિમ સત્ર પૂરું થયું છે. 13મી વિધાનસભાની સાપેક્ષમાં 14મી વિધાનસભાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. દરેક વિધાનસભા સત્ર હંમેશા વિપક્ષ દ્વારા તોફાની જ બનાવાતું હોય છે. પરંતુ, 14મી વિધાનસભા વિપક્ષને હંમેશા યાદ રહે તેવી સ્થિતી ઊભી કરતું ગયું છે.
વિધાનસભા સત્ર ચાલુ હોય તે સમયે સ્વાભાવિક છે કે વિપક્ષ વિરોધનો સૂર પૂરાવી અને પ્રજાની સમસ્યાને વાચા આપે જ. જો કે વિધાનસભા તરફથી પ્રાપ્ત માહિતી મુજબ 14મી વિધાનસભા દરમિયાન ગૃહની કાર્યવાહીને સ્થગિત કરવાને કારણે ગૃહનો કુલ 9 કલાક અને 15 મિનિટનો સમય એટલે કે કુલ 555 મિનિટ સુધી ગૃહનો સમય વ્યકિત થયો હતો. આમ, કુલ 9 જેટલા બનાવો બન્યા હતા, જેમાં વિધાનસભાની કાર્યવાહી સ્થગિત રાખવાની ફરજ પડી હતી.
14મી વિધાનસભાના 10મા સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ બિલ વિધાનસભામાં બહુમતીના જોરે પસાર કર્યું હતું. જો કે બાદમાં રાજકીય દબાણ અને વિરોધ વધતાં 11મા સત્રના પ્રથમ દિવસે જ આ બિલ પરત ખેંચવાની વારી આવી ચડી હતી. આમ, કોઈ બિલ એક વખત રજૂ કરાયું હોય અને બાદમાં તેને રાજકીય દબાણ હેઠળ પાછું ખેંચવું પડ્યું હોય તેવી ઐતિહાસિક ઘટના પણ 14મી વિધાનસભા દરમિયાન નોંધાઈ છે.
14મી વિધાનસભાના સત્ર દરમિયાન રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધન કર્યું. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત નિયમ 101 હેઠળ શહીદ દિને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ગૃહમાં શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.
14મી વિધાનસભાના 5 વર્ષની કુલ કામગીરી
670 કલાક કામગીરી
104 સરકારી વિધેયકો પસાર
32349 તારાંકિત પ્રશ્નોના જવાબ રજૂ
702 પ્રશ્નોની મૌખિક ચર્ચા
7883 અતારાંકિત પ્રશ્નોના જવાબ રજૂ
શહીદોને અંજલિ આપતા પ્રસ્તાવ રજૂ
સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બંધારણીય સુધારા વિધેયકની બહાલી
અંદાજપત્ર પ્રકાશન ડિજીટલાઈઝ કરાતાં 14 ટન કાગળની બચત
1960-2020 સુધી અધ્યક્ષ સ્થાનેથી અપાયેલા નિર્ણયની પુસ્તિકા પ્રકાશિત થઈ
સરકારે બિલ પરત ખેંચવું પડ્યું હોય તેવી ઐતિહાસિક ઘટના