ભાવનગરમાં આ વર્ષે સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો માટે પ્રથમવાર એક જ સ્થળે નવરાત્રી રાસોત્સવનું નિઃશુલ્ક આયોજન રામવાડી મહોત્સવ સમિતિ દ્વારા કરાયું છે. પ્રતિવર્ષ રામવાડી જ્ઞાતિ દ્વારા દાંડીયારાસનું આયોજન જ્ઞાતિજનો માટે થતું હોય છે પરંતુ આ વર્ષે સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો એક જ સ્થળે નવરાત્રીના નવેય દિવસ સાથે મળીને રાસોત્સવ માણી શકે તે માટે સામાજીક પરિસ્થિતિ ધ્યાને લઇને રામવાડી મહોત્સવ સમિતિએ આયોજન હાથ ધર્યું છે.
શહેરમાં નવા રીંગરોડ પર શ્રીજી પાર્ટી પ્લોટની સામે ગોલ્ડન સિટી ટાઉનશીપ ખાતે નવરાત્રી રાસોત્સવનું આયોજન થયું છે જેમાં માત્ર બહેનો જ દાંડીયારાસ લઇ શકશે. રાસોત્સવમાં દરરોજ ઇનામો તેમજ સ્પર્ધાઓ વિગેરે યોજાશે. આ આયોજનને સફળ બનાવવા કિરીટભાઇ બી. પંડ્યા અને ટીમ જહેમત ઉઠાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં બ્રહ્મ સમાજની જુદી જુદી પાંખો દ્વારા પ્રતિવર્ષ નવરાત્રી રાસોત્સવનું આયોજન થતું હોય છે પરંતુ એક જ નેજા તળે પ્રથમ વખત નિઃશુલ્ક આયોજન થતું હોય તો આ પ્રથમ છે.