૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન ભાવનગરના આંગણે થઈ રહ્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન થયું છે જેનો પ્રારંભ કરાવતા પદાધિકારીઓ અને અધિકારીઓએ ખેલાડીઓની જુસ્સો વધારવા રમતના માહોલને જાેઈને મેદાને આવીને રમત રમવા લાગ્યા હતા.

પદાધિકારીઓ અને અધિકારીઓએ ક્ષેપક ટકરાવ, હેન્ડબોલ, બેડમીન્ટન, ક્રિકેટ સહિતની રમતોમાં ભાગ લઈને ખેલાડીઓને જુસ્સો પૂરો પાડ્યો હતો. કાર્નિવલમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ રમતોમાં ભાગ લઈને ખેલદિલીની ભાવના દર્શાવી હતી.

અધિકારીઓની વહીવટી વ્યસ્તતા અને પદાધિકારીઓની રાજકીય વ્યસ્તતા વચ્ચે રમતોમાં ભાગ લઈને ભાવનગરને મળેલ નેશનલ ગેમ્સની યાજમાનીમાં ભાવેણા વાસીઓને રમતો પ્રત્યેની જાગૃતતાના દર્શન કરાવ્યા હતા.


મેયર કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઇ શાહ, શહેર ભા.જ.પ. પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, કલેકટર યોગેશ નિરગુડે, કમિશ્નર એન. વી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને કોર્પોરેટરોએ ભાગ લીધો હતો.





