સુરતમાં SOG પોલીસે કુખ્યાત બુટલેગર ફિરોઝ નાલબંધના પુત્રનું હુક્કાબાર ઝડપ્યું છે. જેમાં SOG પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી 8 લોકોની ધરપકડ કરી છે. પફ ઇન પીસ નામના હુક્કાબાર ઉપર SOGએ દરોડા પાડ્યા હતા. જેમાં 18 હુક્કા અને તમાકુ ફ્લેવરના 39 ડબ્બા SOG પોલીસે કબ્જે કર્યા. બુટલેગર ફિરોજ નાલબંધનો દીકરો અસદ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે 5.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ અને અફીણ જેવા વ્યસનોની સાથે-સાથે હુક્કાબારનું પણ ચલણ વધી રહ્યું છે. જે અંગે સુરત પોલીસને વારંવાર ફરિયાદ મળતા પોલીસ આવા ગેરકાયદેસર હુક્કા પીનારા અને હુક્કાબાર ચલાવનારા ઉપર બાજ નજર રાખી રહી છે. દરમિયાન સુરત પોલીસને હુક્કાબાર ચાલતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આથી, સુરત પોલીસે બાતમીના આધારે શહેરના રાણી તળાવ વિસ્તારમાં આવેલા સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાન નંબર 8, 9 અને 10 માં ગેરકાયદેસર રીતે મોટાપાયે હુક્કાબાર ચાલી રહ્યું છે. જેને લઇને પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસ રેડ કરતા ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં પોલીસે હુક્કાબાર ચલાવતા અને વ્યસન કરતા કુલ 8 નસેડીઓને ઝડપી પાડ્યા. પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી કુલ 8 જેટલા નસેડીઓની ધરપકડ કરી છે. આ નસેડીઓ અલગ-અલગ કંપનીની તમાકુનું સેવન કરતા હતા. જેઓની પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીની તમાકુ, હુક્કાઓ, હુક્કાઓનો સરસામાન, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.