કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ૩૮મો નવરાત્રી મહોત્સવ કુમારી બ્રિજેશ્વરીદેવીબા ગોહિલનાં વરદહસ્તે દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો
વર્ષ ૧૯૮૫માં તે વખતના શાળાનાં નેત્રહીન વિદ્યાર્થીઓ નેત્રહીન ગરબી મંડળની રચના કરી સામાન્ય ખેલૈયાઓની જેમ ગરબે ઘૂમવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૩માં શાળાની ઓરકેસ્ટ્રા ટીમ તૈયાર કરી પ્રતિવર્ષે અનોખી રીતે રાસગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબે ઘૂમતા નેત્રહીન ખેલૈયા ભાઈ-બહેનોને અલગ-અલગ કેટેગરીમાં પુરસ્કારો પણ આપવામાં આવે છે. આ વર્ષે સંવેદના સોસાયટીમાં જોડાયેલી શહેરની શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને મહેમાન ખેલૈયા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પરિણામે સનેત્ર ખેલૈયાઓ સાથે નેત્રહીન ખેલૈયાઓને ગરબે ઘૂમતા જોવાનો નજરો કંઈક અલગ દેખાય છે. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહેશભાઈ પાઠકે કર્યું હતું. જ્યારે નેત્રહીન ગરબી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમની વિગત સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ આપી હતી. વિજેતા ખેલૈયાઓને નારી ઉત્થાન સંસ્થા દ્વારા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા સંસ્થાનાં ટ્રસ્ટીઓ, સંસ્થાનાં કર્મવીરો, નેત્રહીન ગરબી મંડળનાં વિદ્યાર્થી સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરની જનતાને અનોખા નવરાત્રી મહોત્સવનું નજરાણું નિહાળવા રાત્રીનાં ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.