પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 7 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. રાત્રે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી ભાવનગરમાં રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. પોર્ટને 4000 કરોડ રૂ.થી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. અને વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત, બંદર ભવિષ્યની જરૂરિયાતો અને પ્રદેશમાં આગામી વિવિધ પ્રોજેક્ટ્સની માગને પણ પૂરી કરશે.
પ્રધાનમંત્રી ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને લગભગ રૂ. 100 કરોડનો ખર્ચ થયો છે. પ્રધાનમંત્રી સૌની યોજના લિંક 2 ના પેકેજ 7, 25 મેગાવોટ પાલિતાણા સોલર પીવી પ્રોજેક્ટ, APPL કન્ટેનર (આવદકૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ) પ્રોજેક્ટ સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે; અને સૌની યોજના લિંક 2 ના પેકેજ 9, ચોરવડલા ઝોન વોટર સપ્લાય પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.