વિદેશી બજારોના નકારાત્મક વલણના દબાણ હેઠળ સ્થાનિક બજારમાં પણ ઘટાડો ચાલુ છે. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 3000 થી વધુ પોઈન્ટના ઘટાડા પછી, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બુધવારે સતત છઠ્ઠા દિવસે નુકસાનના માર્ગ પર છે. લગભગ તમામ મોટી કંપનીઓના શેરમાં ઘટાડાને કારણે બંને મુખ્ય સૂચકાંકો બિઝનેસ શરૂ થતાંની સાથે જ મોટી ખોટમાં ગયા છે.
આ તરફ બુધવાર 28 સપ્ટેમ્બરના રોજ રૂપિયો ડોલર સામે 81.90 ના રેકોર્ડ નીચલા સ્તરે ખૂલ્યો હતો. રૂપિયો ડૉલરના મુકાબલે 81.93 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. ડૉલરની સતત મજબૂતી, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય મૂડીબજારમાંથી ભંડોળ પાછું ખેંચવા અને ઈક્વિટી માર્કેટમાં વધતા જોખમને કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયો 81.57 ના સ્તરને પાર કરી ગયો હતો.
સ્થાનિક બજાર આજે પ્રી-ઓપન સેશનથી જ નીચે આવી ગયું છે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને 56,700 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટી 140 પોઈન્ટ ઘટીને 16,870 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. સિંગાપોરમાં SGX નિફ્ટીનો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સવારે 9 વાગ્યે 180 પોઈન્ટ ઘટીને 16,858 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સંકેત આપી રહ્યું હતું કે સ્થાનિક બજાર આજે સતત છઠ્ઠા દિવસે નીચે જઈ શકે છે. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સ લગભગ 530 પોઈન્ટ ઘટીને 56,580 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 145 પોઈન્ટથી વધુ ગગડીને 16,860 પોઈન્ટની નીચે ગયો હતો.