આવતીકાલ તા.૨૯ સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે આવી રહ્યા છે. ભાવનગર ખાતે એરપોર્ટ પરથી જ સભા સ્થળ જવાના મેદાન સુધી ભવ્ય રોડ શો કરાયા બાદ જવાહર મેદાન ખાતે સભા સ્થળે પહોંચશે જ્યાં હજારો કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
જવાહર મેદાન ખાતે વડાપ્રધાનની યોજાનાર ઐતિહાસિક જાહેર સભામાં અઢી લાખ જેટલા લોકો આવવાનો અંદાજ તંત્ર દ્વારા મુકવામાં આવ્યો છે તેના હિસાબે જાહેર સભા માટે ૮ લાખ ચોરસ ફુટ મહાકાય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સાડાછ લાખ ચોરસ ફુટનો મુખ્ય જર્મન ડોમ અને તેની બાજુમાં બન્ને સાઇડમાં દોઢ લાખ ચોરસ ફુટના બીજા બે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે ડોમમાં ૧૮૦૦ પંખા તેમજ ૬૦ એલઇડી લગાવવામાં આવ્યા છે જેથી લોકો બેઠા બેઠા જ જાેઇ શકે.
આ ઉપરાંત જવાહર મેદાનમાં ૨૪.૭૪ લાખ ચોરસ ફુટમાં લોકોને બેસવા, પાણી, સેનીટેશન અને પાર્કીંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ૮ લાખ ચોરસ ફુટમાં બનાવાયેલો ડોમ ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ હોવાનું મનાઇ રહ્યું છે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જિલ્લા કલેક્ટર નિરગુડે, ડીડીઓ પ્રશાંત જિલોવા, એસ.પી. રવિન્દ્ર પટેલ સહિત અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.