દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી ભાવનગર આવે છે… છેલ્લા કેટલાક દિવસોથી આ વાતો થઇ રહી છે અને આખરે આ ઘડી આવી પહોંચી છે. આવતીકાલે ગુરૂવારે ન.મો. ભાવનગર આવશે અને ભાવનગર, બોટાદ તથા અમરેલી જિલ્લાના કરોેડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પૂર્વે તેઓ શહેરના મહિલા કોલેજથી આંબાવાડી થઇ ઘોઘાસર્કલ થઇ રૂપાણી સર્કલ સુધી ભવ્ય રોડ શો કરશે. લગભગ ૧૨૦૦ મીટર સુધીનો રોડ શો કરી વડાપ્રધાન ભાવનગરીઓનું અભિવાદન ઝીલશે. રોડ શોના રૂટ પર જબ્બર સજાવટ કરાઇ છે જ્યારે પોલીસ તંત્રએ લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. વડાપ્રધાન રોડ શો પૂર્ણ કરીને જવાહર મેદાન ખાતે પહોંચશે જ્યાં વિકાસ કાર્યોનું લોેકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ જંગી જાહેર સભાને પ્રાસંગીક ઉદ્દબોધન કરશે.
વડાપ્રધાનના રોડ શોમાં ૫૦ હજાર લોકો તેમજ જાહેર સભામાં બે લાખની મેદની ઉમટી પડવાની ધારણા છે. વડાપ્રધાનના આ કાર્યક્રમને સફળ બનાવવા સી.એમ. ભુપેન્દ્રભાઇ તથા મંત્રીઓ સમેત રાજ્ય સરકાર કેટલાક દિવસોથી જહેમત ઉઠાવી રહી છે. જ્યારે સ્થાનિક સ્તરે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, આઇ.જી. અશોકકુમાર યાદવ, મ્યુ. કમિશનર એન.વી. ઉપાધ્યાય, ડીડીઓ પ્રશાંત જિલોવા, એસ.પી. રવિન્દ્ર પટેલ સમેત સમગ્ર વહિવટી તંત્રના અધિકારીઓ, કોર્પોરેશન, પોલીસ, એસ.ટી. તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ રાત દિવસ જાેયા વગર જહેમત ઉઠાવી રહ્યા છે.
૧૨૦૦ મીટરના રોડ શોમાં ૮ જગ્યાએ રાજ્યસ્તરના કલાકારો કરશે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ
સ્ટેજ-૧ : મહિલા કોલેજ સર્કલ – આઝાદી કા અમૃત મહોત્સવ સોંગ, કથ્થક ડાંસ
સ્ટેજ-૨ : યશવંતરાય પાછળનો ગેટ – ભૂંગળ, કાંસી જાેડા, તબલા, ઝાંઝ
સ્ટેજ-૩ : ઘોઘાસર્કલ અખાડા પાસે – હુડો
સ્ટેજ-૪ : મશહુર જ્યુસ સામે, ઘોઘાસર્કલ – ડાંગી નૃત્ય
સ્ટેજ-૫ : બી.એમ. કોમર્સ ગેટ સામે, ઘોઘાસર્કલ – ગુજરાત વંદે માતરમ્
સ્ટેજ-૬ : મીઠાવાળાના બંગલા પાસે, ઘોઘાસર્કલ – નળ કાંઠાવાળા, કાંસી જાેડા સાથે
સ્ટેજ-૭ : થિયોસોફીકલ લોજ, રૂપાણી સર્કલ – માંડવડી ગરબા અને રાસ
સ્ટેજ-૮ : રોલી પોલી કેક શોપ સામે, રૂપાણી સર્કલ – ચિતા અને પપેટ