આજે સુરતમાં 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો PM મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદીઓને પણ દિવાળી પૂર્વે PM મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપશે.PM મોદીએ સુરતથી સંબોધન કરતા જણાવ્યું કે, ‘છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા છે, તેમના જીવનધોરણમાં સુધારો કર્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી છે. જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને 1.25 લાખ સુરતના છે.’
વધુમાં PMએ કહ્યું કે, ‘નવરાત્રીની ઉજવણી દરમિયાન ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, રમતગમત અને આધ્યાત્મિક સ્થળોનો શિલાન્યાસ કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. સુરત એ ‘જનભાગીદારી’ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. સુરતમાં ભારતભરના લોકો વસે છે, તે મિની-ઇન્ડિયા છે.’
PM મોદીએ જણાવ્યું કે, ‘આ સદીના શરૂઆતના દાયકાઓમાં જ્યારે અમે 3P મોડલ એટલે કે પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપની ચર્ચા કરતા હતા. ત્યારે હું સુરતનું 4P ઉદાહરણ આપતો હતો એટલે કે પીપલ, પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપ. આ મોડલ સુરતને ખાસ બનાવે છે.’