પાલીતાણા તાલુકાના પીપરડી-૧ ગામમાં રહેતા આધેડ ઉપર પાણીનો સપ્લાય કરતા શખ્સ, તેની પત્ની અને બે દીકરાએ કુહાડી, લાકડી અને લોખંડના પાના વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના પીપરડી-૧ ગામમાં રહેતા બાબુભાઈ ભીખાભાઈ ગોહિલ (ઉ.વ.૪૫) ગત રાત્રિના પાણી ભરવા ગયા હતા ત્યારે પાણી સપ્લાય કરતા સંતરામભાઈ રાધેશ્યામભાઈ કાપડીએ પાણીનો સપ્લાય બંધ કરી દેતા બાબુભાઈએ તેને પાણી શરૂ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા સંતરામભાઈએ બાબુભાઈ ઉપર પાણીનો વાલ ખોલવાનું લોખંડનું પાનું મારી ગંભીર ઇજા કરી હતી. જ્યારે સંતરામભાઈના પત્ની અને તેના બે દીકરાએ પણ કુહાડીનો ઊંધો ઘા મારી લાકડીઓ ફટકારી હતી અને બાબુભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત બાબુભાઈને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે બાબુભાઈએ સંતરામભાઈ, તેના પત્ની અને બે દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલીતાણા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.