વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રુ.૬,૫૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનએ જણાવ્યું હતુ કે, હું લાંબા અંતરાલ બાદ ભાવનગર આવ્યો છું. ભાવનગરે આજે મારા પર જે આશીર્વાદ વરસાવ્યા છે તેને હું કયારેય નહીં ભુલી શકુ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સૌ લોકોને મારા શત શત નમન. આજનો આ કાર્યક્રમ વિશેષ છે કારણ કે, દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને ભાવનગર પણ તેની સ્થાપનાના ૩૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યુ છે.
આજે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનાં લોકાપર્ણ અને શિલાન્યાસ થઇ રહ્યા છે. જેનાં કારણે ભાવનગરની વિકાસયાત્રાને નવો આયામ મળશે અને ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ થશે. આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિંચાઇ યોજનાઓ ખેડુતોની સમૃદ્ધિમાં વધારો કરશે. અહીં બનેલા રિજીયોનલ સાયન્સ સેન્ટરના કારણે ભાવનગરની શિક્ષા અને સંસ્કૃતિના પાટનગર તરીકેની ઓળખને વધુ મજબૂતી મળશે.
વડાપ્રધાનએ વધુ ઉમેરતા કહ્યુ હતુ કે, ગત બે અઢી દાયકામાં જે ગૂંજ વડોદરા, સુરત અને અમદાવાદની રહી છે તેવી ગૂંજ હવે ભાવનગર, રાજકોટ અને જામનગરની રહેવાની છે. સૌરાષ્ટ્રની સમૃધ્ધિ અંગેનો મારો આ વિશ્વાસ એટલા માટે પ્રગાઢ રહ્યો છે કારણ કે, અહીં ઉદ્યોગ, ખેતી અને પર્યટન એમ ત્રણેય ક્ષેત્ર માટે અભૂતપૂર્વ સંભાવનાઓ છે. આજનો કાર્યક્રમ આ જ દિશામાં ડબલ એન્જિન સરકારના પ્રયાસનો જીવતો જાગતો પુરાવો છે.
ભાવનગરની ભૂમિકા અને સંભાવનાઓ વિશે વાત કરતા વડાપ્રધાનએ જણાવ્યુ હતુ કે, આ બંદર ગાડીઓના સ્ક્રેપિંગ, કન્ટેઇનરનું ઉત્પાદન, ધોલેરા સર જેવા મોટા પ્રોજેક્ટની જરૂરિયાતોને પૂરા કરશે. શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર અલંગને દેશમાં લાગુ થનારી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી વધુ લાભ થશે અને જહાજાે ઉપરાંત નાના વાહનોના સ્ક્રેપિંગ હબ તરીકે પણ તેનો વિકાસ કરવામાં આવશે. દુનિયા આજે કન્ટેઇનરોના વિશ્વાસપાત્ર સપ્લાયરની શોધમાં છે ત્યારે ભાવનગર તેના ઉદ્યોગ સાહસિકો અને વ્યૂહાત્મક લોકેશનની મદદથી આ ભૂમિકા સુપેરે ભજવી શકે છે.
તેમણે સત્તાને સેવાનું માધ્યમ ગણાવતા જણાવ્યુ હતુ કે, અમારી પ્રેરણા અને લક્ષ્ય ક્યારેય સત્તા સુખ નથી રહ્યું. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિકાસના રોડમેપ વિશે વાત કરતા તેમણે કહ્યુ કે આ વિસ્તારમાં માત્ર પરિવહન સેવાઓ જ નહીં પરંતુ પ્રવાસનને પણ ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના તટીય ક્ષેત્રોની આગવી સામુદ્રિક વિરાસતને જાળવી રાખીને આ વિસ્તારોમાં પ્રવાસનનો વિકાસ કરવાનો ઉદ્યમ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના મહુવા, ગારિયાધાર, ખાંભા, અમરેલી, જુનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક સહિતના વિકાસ માટે ડબલ એન્જિન સરકાર કાર્યરત છે. વિવિધ યોજનાઓ થકી સરકાર સંસાધન પૂરાં પાડી રહી છે અને તેના ઉપયોગ થકી ગરીબ માણસ રોજગારી મેળવી ગરીબી નિર્મૂલન માટે મહેનત કરી રહ્યો છે. ગરીબ નાગરિકોના આશીર્વાદ એ વિશ્વાસ અને ઊર્જાના સ્ત્રોત સમાન છે. આ યોજનાઓ ભાવનગરની યુવા પેઢીનું ભાવિ નિશ્ચિત કરનારી છે. ભાવનગરમાં અમલી થતી આ યોજનાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના નિર્માણમાં ઉપયોગી થશે. વડાપ્રધાનએ ભાવનગરના પ્રખ્યાત નરશી બાવાના ગાંઠિયા અને દાસના પેંડા સાથેના સંસ્મરણો પણ તાજા કર્યા હતા.
* આઝાદી બાદ દાયકાઓ સુધી દરિયાકાંઠાના વિકાસ પર ધ્યાન ન આપવાના કારણે આ વિશાળ સમુદ્રકિનારો લોકો માટે સૌથી મોટો પડકાર બની ગયો હતો સમુદ્રનું ખારું પાણી આ વિસ્તાર માટે અભિશાપ બની ગયુ હતું પરંતુ છેલ્લા બે દાયકામાં સરકારે રોજગારના અનેક અવસર ઉભા કર્યા છે ગુજરાતમાં અનેક બંદરોને વિકસિત કરવામાં આવ્યા છે અને બંદરોનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આજે ત્રણ મોટા ન્દ્ગય્ ટર્મીનલ છે, પેટ્રોકેમિકલ હબ છે.
* ગુજરાત સમુદ્રકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રુવના જંગલોનો વિકાસ કરી કોસ્ટલ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે. એકવા કલ્ચરના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સી વીડની ખેતી માટે ઘણા પ્રયાસો થયા છે. આજે ગુજરાતનો દરિયાકાંઠો દેશની આયાત-નિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો હિસ્સો બન્યો છે અને લાખો લોકોને રોજગારી આપી રહ્યો છે.
* ગુજરાતનો દરિયાકાંઠો અત્યારે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો પર્યાય બનીને ઉભરી રહ્યો છે. સૌરાષ્ટ્રને ઉર્જાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત અને દેશની ઉર્જાની જરુરિયાતો માટે આ વિસ્તાર મોટું હબ બન્યો છે. સૌર ઉર્જાના અનેક પ્રોજેક્ટ પણ આ વિસ્તારમાં આકાર પામ્યા છે પાલિતાણામાં લોકાર્પિત થનારા સોલાર પાવર પ્રોજેકટના કારણે આ વિસ્તારના અનેક લોકોને સસ્તી અને પૂરતી વીજળી મળશે.
ધોલેરામાં રીન્યુએબલ એનર્જી, સેઝ અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જે રોકાણ આવી રહ્યું છે તે ભાવનગર માટે પણ લાભદાયક પુરવાર થશે અને અમદાવાદ-ધોલેરા-ભાવનગર ક્ષેત્ર, વિકાસની નવી ઊંચાઈઓ પામશે. બંદર તરીકે ભાવનગરના અગત્યપણાની વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ભાવનગરનો પોર્ટ લેક ડેવલપમેન્ટમાં અગત્યના કેન્દ્ર તરીકે વિકાસ કરી તેને દેશના અલગ-અલગ ઔદ્યોગિક ક્ષેત્રો સાથે મલ્ટી મોડેલ કનેક્ટિવિટીથી જાેડવામાં આવશે. પીએમ ગતિ શક્તિ સહિતની યોજનાઓ ભાવનગરની કનેક્ટિવિટીની યોજનાઓને નવું બળ આપશે.