વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં રોડ શો પ્રથમ વાર જ આયોજીત થતા ચાહકો અને સમર્થકો તેમને નિહાળવા આતુર હતા, આ માટે કલાકો સુધી ઊભા રહ્યા પરંતુ રોડ શોમાં મોદીની ઝલક જાેવા નહિ મળતાં ચાહકો ભારે નારાજ થયા હતા. બીજી બાજુ વડાપ્રધાને કેમ રસ દાખવ્યો નહિ તેની ચર્ચાઓ શરૂ થઈ છે.
શહેરમાં મહિલા કોલેજ સર્કલથી રોડ શો શરૂ થવાનો હોય આ સ્થળે બપોરના ૧૨.૩૦ કલાકથી લોકોની ભીડ એકઠી થવાનો આરંભ થઇ ગયો હતો. ધારાસભ્ય, કોર્પોરેટરો, સંગઠન એ લોકોને એકત્ર કર્યા હતા. બપોરે ૨ કલાકે જ્યારે વડાપ્રધાનની કાર સાથેનો કાફલો પસાર થયો ત્યારે આ સમગ્ર વિસ્તાર જનમેદનીથી ભરાઇ ગયો હતો. લોકો બે બે કલાક સુધી મોદીની એક ઝલક માટે રોડ શોના રૂટ પર તડકામાં ઉભા રહ્યા પણ વડાપ્રધાનની કારનો કાફલો માત્ર બે મિનિટમાં પસાર થઇ જતા સર્કલોએ એકત્રિત થયેલા હજારો લોકો નિરાશ થઇને ઘરે પાછા ફરી ગયા હતા. વડાપ્રધાન કારની બહાર તો નીકળ્યા નહિ પરંતુ કાચ ઉતારવાનું પણ ટાળતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. એક ચર્ચા મુજબ ભાજપના સ્થાનિક આગેવાનો ડોમમાં મેદની દેખાડવા પ્રયત્નરત રોડ શોમાં પર્યાપ્ત ભીડ એકત્ર કરવામાં નિષ્ફળ રહ્યા હતાં..!