પ્રજાની સુવિધા માટે કરોડોનો ખર્ચો કરી નવા રસ્તા બની રહ્યા છે અને તેની ગાઈ વગાડી જાહેરાત પણ કરવામાં આવે છે. જાે કે આ સુવિધાનો લાભ પ્રજા સુધી પહોંચતો થાય તે પહેલા જ દુર્દશા થઈ જતી હોય છે. આવી જ હાલત સીદસર રોડ પરના હિલ પાર્ક સર્કલથી અધેવાડા તરફના નવા રસ્તાની થઈ છે. આ તસવીરો તેનો પુરાવો છે કે આ રસ્તો નહીં પરંતુ કોઇ ખેતર હોય તેવું દેખાય છે.
હિલ પાર્ક સર્કલથી અધેવાડા જતો રોડ તદ્દન બિસ્માર થઈ ગયો છે. રોડની નબળી કામગીરી સામે તો સવાલ ઉઠી જ રહયા છે તો આ વિસ્તારમાં દોડી રહેલા કોન્ટ્રાક્ટર કંપનીઓના હેવી લોડર વાહનોના કારણે આ દુર્દશા થઈ છે. આ રસ્તાની હાલત એવી થઈ શકે બાઈક લઈને પણ ૨૦ કિલોમીટરથી વધુ ઝડપે વાહન ન ચલાવી શકાય. આ ઉપરાંત પુરપાટ ઝડપે દોડતા આ વાહનો ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જી શકે છે.
પ્રજાની સુવિધા માટે અને પ્રજાના ટેક્સમાંથી લાખો ખર્ચાયા બાદ ઊભી થયેલી સુવિધા આ જ રીતે પરિણમે ત્યારે આખરે જવાબદારી કોની? જાેવાની કોની ફરજ છે? એકબીજાને ખો આપવાને બદલે પ્રજા પ્રતિનિધિઓ આ જુએ અને યોગ્ય કરાવે તે જરૂરી છે.
કૃષ્ણા એએમસી દ્વારા આ વિસ્તારમાં હંગામી પ્લાન્ટ ઉભો કરાયો છે અને તેના હેવી લોડર વાહનો અહીંથી પુરપાટ દોડતા હોય છે. એક સવાલ એ પણ છે કે, રહેણાંકી વિસ્તારમાં પ્લાન્ટ ઉભો કરી શકાય કે નહીં ? અને આ પ્રકારે પુરપાટ દોડતા હેવી લોડર વાહનો રસ્તાનો કચ્ચરઘાણ કરી નાખે તો તેની જવાબદારી કોની ? પ્રજાના પૈસાનું પાણી થાય છતાં કોઇ પુછવાવાળુ ખરૂ તેમ આ વિસ્તારના રહેવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.