ગોહિલવાડના ગૌરવ સમાન મહુવા પાસેના શક્તિ સ્થાનક ભવાનીમાતા ક્ષેત્રમાં યોજાયેલ ‘માનસ માતુ ભવાનિ’ રામકથાની પૂર્ણાહુતિ વેળાએ વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ કહ્યું કે, રામકથા પરહિત કરનારી પ્રેમ આપનારી કથા છે. કથા શ્રવણ પછી કોઈ અબોલા હોય તો છોડવા બાપુએ જણાવ્યું હતું. અંતિમ દિવસે મોરારિબાપુ અલગ અલગ મુદ્રામાં જાેવા મળ્યા હતાં જે તેમનો રાજીપો વ્યક્ત કરતું હતું.!
ભવાનીમાતા ક્ષેત્રમાં મોરારિબાપુએ રામચરિત માનસની ‘છબિખાની માતુ ભવાનિ ગવની મધ્ય મંડપ સિવ જહાં’ ચોપાઈ ગાનને કેન્દ્રમાં રાખી નવલા નવરાત્રી દિવસોમાં કથા રસ પિરસી સનાતન ધર્મમાં શિવ, રામ, કૃષ્ણ અને શક્તિ દુર્ગાના મહાત્મ્ય સાથે વિવિધ રામકથા પ્રસંગો અને સાંપ્રત સત્સંગ વર્ણન કર્યું.રામકથાના પૂર્ણાહુતિ દિવસે મોરારિબાપુએ કથાના બાકી સોપાનો સાથે અયોધ્યામાં ઋષિ વશિષ્ઠના આશીર્વાદ સાથે દશરથ રાજાના પુત્રોના રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્નના નામકરણ અને ત્યાર બાદની વિવિધ લીલાઓ યજ્ઞોપવિત, અહલ્યા ઉદ્ધાર, સ્વયંવર, વનવાસ, લંકાદહન તેમજ રામ રાજ્યાભિષેક વગેરે વર્ણન સાથે કથા પૂર્ણાહુતિ કરી હતી.