નવરાત્રી એટલે ઉત્સાહ ઉમંગ અને આનંદનો ઉત્સવ. જેટલો આનંદ આપણને હોય તેટલો જ આનંદ માનસિક દિવ્યાંગ બાળકોને પણ હોય. આવા બાળકો પણ ગરબા રમવા થનગનતા હોય છે. પરંતુ તેઓ સામાન્ય લોકો જાેડે ગરબા રમવામાં સ્વાભાવિક જ સંકોચ અનુભવે. પરંતુ નવરાત્રી તો તેમના માટે પણ છે અને તેથી જ આવા બાળકો માટે ઉત્તમ કાર્ય કરતી પીએનઆર સોસાયટી દ્વારા પ્રતિવર્ષ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
માનસિક રીતે દિવ્યાંગ, સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ જેવી બીમારી ધરાવતા બાળકો પણ રાસ ગરબા રમી શકે તે માટે આ સંસ્થાના આવા બાળકો તેમજ સામાન્ય બાળકો તથા વાલીઓ, શિક્ષકો, સંસ્થાના સંચાલકો સહુ સાથે મળીને ગરબા લેતા હોય છે.
એક ઓક્ટોબરને શનિવારે સાંજે ૫ થી ૮ નટરાજ કોલેજના લેક વ્યૂ ગાર્ડન ખાતે આ મહોત્સવમાં બાળકો મન ભરીને ગરબે રમ્યા હતા અને આ બાળકોને આનંદ કરતા જાેઈ સહુ આનંદિત થઈ ગયા હતા.