પોરબંદરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેને લઈને જીલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ કામગીરી દરમિયાન શાંતિ જળવાઇ રહે તે માંટે કીર્તિમંદિર, ઉદ્યોગનગર, રાણાવાવ અને કુતિયાણામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ જાહેરનામુ આગામી 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ રહેશે. વધુમાં શહેરમાં શાંતિનો ભંગ ન થાય તે માટે જૂનાગઢ અને ગીર સોમનાથથી પોલીસ પણ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં SRPની ટીમ પણ પોરબંદરમાં તૈનાત કરાશે .
બેટ દ્વારકા બાદ દરિયા કિનારા વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઈને, હવે પોરબંદર જિલ્લામાં પણ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોરબંદરમાં ગેરકાયદેસર દબાણ પર પોલીસે સખત કાર્યવાહી શરૂ કરી છે ત્યારે કેટલાક તત્વોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે.આજે પોરબંદરમાં ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ આક્રોશ સાથે કૂચ યોજી હતી.
પોરબંદર જિલ્લાના દરિયાઇ પટ્ટીના વિસ્તારમાં તેમજ ગોસા, નવાગામ જેવા શહેરમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે તંત્ર દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે પોરબંદરમાં મેગા ડિમોલેશન કાર્યવાહી વખતે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. પરંતુ બેકાબુ બનેલા ટોળાએ પોલીસને પણ દાદ આપી ન હતી. પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.આમ, પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલેશનની કાર્યવાહીને લઈને 8 જેટલા સ્થળો પર દબાણ દૂર કરતા શહેરના વાતાવરણમાં તંગદિલી જોવા મળી રહી છે. શહેરના મેમણવાડા વિસ્તારમાંથી નીકળેલા ટોળા પર પર કાબુ મેળવવા માટે ત્રણથી વધુ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. ધટનામાં પોલીસ અને ટોળા આમને સામને આવી જતા વાતાવરણ તંગ જોવા મળ્યું હતુ.