ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ રાજ્યમાં હજુ પણ રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ હાઇકોર્ટમાં રસ્તા પર રખડતા ઢોર મુદ્દે સુનાવણી થશે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીનો જવાબ રજૂ કરાશે. નોંધનીય છે કે, રાજ્યમાં વકરેલા રખડતાં ઢોરના ત્રાસને લઇને લોકો તોબા પોકારી ગયા છે. ત્યારે ગયા મહિને સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471 લોકોના અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે વારંવાર તંત્રને રસ્તા પર રખડતા પશુને લઇને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. છતાં તંત્ર દ્વારા હજુ પણ રખડતા ઢોરને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. આથી, આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં તંત્ર દ્વારા કોર્ટમાં કાર્યવાહીનો જવાબ રજૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે, રસ્તા પર રખડતા ઢોરના કારણે રાજ્યમાં અવારનવાર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવતી રહે છે. ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના મોત થયા છે. તાજેતરમાં જ થોડાક દિવસ અગાઉ રખડતા ઢોરના કારણે ભાવિન પટેલ નામની એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં કોર્ટના આદેશ બાદ પોલીસે ગાય માલિક સામે ગુનો નોંધ્યો છે. આથી, આવનારા દિવસમાં ગાય માલિક અને જવાબદાર અધિકારીને જેલ જવાની નોબત આવી શકે છે. આ મામલે રખડતા પશુથી યુવકના મૃત્યુને લઇ પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.