કેરળમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કેરળના પલક્કડ જિલ્લાના વડક્કનચેરી ખાતે એક પ્રવાસી બસ કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ સાથે અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની જાણકારી રાજ્ય મંત્રી એમ.બી રાજેશે આપી છે.
બુધવારે રાત્રે અહીં વડક્કનચેરી ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈને જતી પ્રવાસી બસે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ દલદલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી ઘણાની હાલત નાજુક છે.
આ અકસ્માત નેશનલ હાઈવે 544 (NH-544) પર સર્જાયો હતો. પ્રવાસી બસ એર્નાકુલમની બેસિલિઓસ વિદ્યાનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઊટી તરફ જઈ રહી હતી. જ્યારે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(KSRTC)ની સુપરફાસ્ટ બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી.