ગઇકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય નડિયાદમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં ઉત્તરસંડા, ડભાણ, ગોતાલ, મરીડા અને બીજ ટુંડેલમાં પણ વરસાદ થયો હતો. ખેડાના ડાકોરમાં પણ ગઇકાલે લાંબા વિરામ બાદ વરસાદનું અચાનક આગમન થયું હતું. યાત્રાધામ ડાકોરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં ફરી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.’ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ રહેશે. ડાંગર અને કેળાના પાકને નુકસાનીની ભીતિ દેખાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ કોરુ રહેવાની સંભાવના છે.