ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામાં જોતરાયા છે. મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એકપછી એક દાવ રમી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટર વોરથી માહોલ ગરમાયો છે. ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. હિન્દુ હિતરક્ષક સમિતિએ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં AAP વિરોધી પોસ્ટરો લગાવ્યા છે.
હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાવનારા દિલ્લી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો વીડિયો વાયરલ થયા બાદ તેમનો ચારેયકોર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત ભાજપે પણ દિલ્હી રાજેન્દ્ર પાલના વીડિયો મુદ્દે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીના નેતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે.
હવે ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટરવોર શરૂ થતા માહોલ ગરમાયો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.