ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે દિવાળી પછી તુરંત જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી પૂરી શક્યતા છે અને સરકારની પણ તૈયારી છે આ પરિસ્થિતિમાં હવે કોને ટિકિટ મળશે અને કોણ છે રેસમાં ? તેની અટકળો અને ચર્ચાઓ તેજ બની ગઈ છે. ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ આ બેઠક ટિકિટ જાહેર થાય ત્યાં સુધી હંમેશા અટકળોની એરણ પર ચર્ચાનો મુદ્દો બનતી રહી છે અને આ વખતે પણ તેવું જ છે.
ભાવનગર પૂર્વની બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સવર્ણને ટિકિટ આપી છે અને જીત મેળવી છે. ગુજરાતમાં બ્રાહ્મણ અને વણિક આ બે સમાજને પ્રતિનિધિત્વ આપી શકાય તેવી ઓછી બેઠકો છે તેમની એક બેઠક આ ભાવનગર પૂર્વની છે? આ બેઠક પર કોળી સમાજ અને અન્ય પણ દાવેદાર રહ્યા છે પરંતુ જ્ઞાતિ આધારિત સમીકરણોને ગોઠવી અન્યત્ર ટિકિટ ફાળવી આ બેઠક પર સવર્ણને લડાવવાનો વ્યુહ કામયાબ રહ્યો છે.
નો રીપીટ થિયરી સાથે વર્તમાન ધારાસભ્ય વિભાવરીબેન દવેના સ્થાને અન્યની ટિકિટ ફાળવવામાં આવે તો મહિલા અને સવર્ણ આ બંને સમીકરણ સચવાઈ રહે તે મુજબ પાંચ જેટલી મહિલાઓના નામ હાલ ચર્ચામાં છે.
ભાવનગર ભાજપની થીક ટેન્ક ગણાતા સ્વર્ગસ્થ જેટી દવેના પત્ની, પીઢ અગ્રણી યશોદરભાઈ ભટ્ટના પુત્રી પુર્વા ભટ્ટ, અભિનેત્રી આરતી જાેશી આ નામો ચર્ચામાં છે. જાે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના કહેવા મુજબ સ્કાય લેબની જેમ કોઈને ઉતારવામાં નહીં આવે તે વાતને સાચી માનીએ તો આમાંથી ઘણાનો છેદ ઉડી જાય છે.!
સવર્ણ અને મહિલા એ સમીકરણ મુજબ દિવ્યાબેન વ્યાસનું નામ રેસમાં આગળ દોડી રહ્યું છે. પક્ષમાં તેમનું કામ પણ બોલે છે અને તેમને ભાવનગરના પીઢ આગેવાનોના આશિર્વાદ પણ છે. આ ઉપરાંત સંઘ પરિવારમાંના પુત્રવધુ નિયતિ પંડ્યાનું નામ પણ ચર્ચામાં છે. જાે કે, મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો પરિવાર વિચારધારાને સમર્પિત છે અને પોતે આવી કોઈ રેસમાં નથી કે ટિકિટ માગી નથી. આતો ચર્ચામાં આવેલા નામો છે આ ઉપરાંત બીજી ત્રણેક મહિલાઓએ પણ પોતાની ફાઈલ તૈયાર કરી પ્રદેશ અને દિલ્હી દરબાર સુધી મોકલી આપી છે.
બ્રાહ્મણ મહિલા શું કામ પુરૂષ કેમ નહીં ?
કુલ બેઠકોમાંથી નિયત સંખ્યામાં મહિલાઓને પણ સ્થાન આપવા ભાજપ સુરક્ષિત મનાતી બેઠકો પર મહિલા અને જ્ઞાતિ સમીકરણ બંને સચવાઈ રહે તેવી રચના ગોઠવતું રહ્યું છે. ભાવનગર પૂર્વની બેઠક પણ તેમાની છે અને તેના કારણે બ્રાહ્મણ અને વણિક બંને સમાજના પુરુષ નેતાઓ કંઈક અંશે નારાજ પણ છે. આ વખતે છ થી વધુ યુવા નેતાઓ સામાજિક કાર્યકરોએ લડી જ લેવાની કમરકસી છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ કોને ટિકિટ આપશે તે હાલ કહી શકાય તેમ નથી પરંતુ મહિલા સમીકરણ પુનરાવર્તિત થાય તો આ કાર્યકરો સક્રિય રીતે પક્ષ સાથે રહેશે કે કેમ ? તે પણ સવાલ છે.