PM મોદી આજે રાજ્યના 4 જિલ્લાની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાને આજે ભરૂચવાસીઓ દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. PM મોદીએ આજે ભરૂચના આમોદમાં રૂ. 8200 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
આ દરમ્યાન PM મોદીએ ભરૂચવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, ‘સાથીઓ આજે સવારે હું જ્યારે અહીં આવી રહ્યો હતો, ત્યારે મને એક દુખદ સમાચાર મળ્યા કે આજે મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. અમે જ્યારે બંન્ને મુખ્યમંત્રી તરીકે મળતા ત્યારે પોતીકાપણાનો ભાવ હતો. મુલાયમ સિંહજીએ સંસદમાં ઉભા થઈને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ બીજી વખત પ્રધાનમંત્રી બનશે. મા નર્મદાના તટથી હું મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’
ભરૂચના વિકાસની વાત કરતા PM મોદીએ કહ્યું કે, ‘ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે. વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ, રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે, વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.’
PM મોદીએ વિકાસને લઇને કટાક્ષ કરતા કહ્યું કે, ‘જો વિકાસ કરવો હોય તો વાતાવરણ બરાબર જોઈએ, રુકાવટોવાળું વાતાવરણ ન ચાલે. વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.’