સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવતા અરજદારને કહ્યું કે, તેઓ તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાં સહિત તમામ ચોક્કસ ઘટનાઓની વિગતો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “કદાચ તમારું આ કહેવું સાચું છે કે નફરતભર્યા ભાષણોને કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને તમારી પાસે એ કહેવા માટે યોગ્ય આધાર છે કે તેના પર અંકુશ લગાવવાની જરૂર છે.” જોકે, ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસઆર ભટની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ મામલાની સંજ્ઞાન લેવા માટે એક હકીકતલક્ષી આધાર હોવો જોઈએ.
કોર્ટે કહ્યું કે, અરજદાર એક કે બે કેસ પર ફોકસ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે, ‘આ ખૂબ જ મનસ્વી અરજી છે. તેમાં 58 ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં કોઈએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા.’ કોર્ટે કહ્યું કે, તેમને માલુમ નથી કે ગુનાની વિગતો શું છે, તેની સ્થિતિ શું છે. આમાં કોણ કોણ સામેલ છે અને કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં. અરજદારે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરી છે. કારણ કે દરેક વખતે ક્યાંકને ક્યાંક અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે.