ભાવનગર જિલ્લા પંચાયતની આજે ખાસ સાધારણ સભા પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૧૫માં નાણાપંચમાંથી આવેલી અલગ અલગ ફેઇઝની ગ્રાન્ટમાંથી રૂા.૭.૨૧ કરોડના ૧૨૯ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ દિવાળી સુધીમાં પ્રસિદ્ધ થવાની શક્યતાઓ હોય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૫માં નાણાપંચની આવેલી ગ્રાન્ટમાંથી ટાઇડ અને અનટાઇડના ત્રણ ફેઇઝમાં રૂા.૭.૨૧ કરોડના ૧૨૯ કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં પ્રથમ ફેઇઝમાં ૩.૧૭ કરોેડના ૫૩ કામો, બીજા ફેઇઝમાં ૨.૦૧ કરોડના ૩૯ કામો તથા ત્રીજા ફેઇઝમાં ૨.૦૩ કરોડના ૩૮ કામોને મંજૂરી અપાઇ હતી જેમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, નળ-ગટર, રોડ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ સાધારણ સભામાં ગત સભાની કાર્યનોંધ બહાલ રાખવા ઉપરાંત ૩૦-૬ થી ૧૯-૯ સુધી મળેલી વિવિધ કમિટીઓની કાર્યવાહીની નોંધને પણ બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં શાસક-વિપક્ષના સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા અને માત્ર ગણતરીની મિનીટોમાં સભાનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું.