ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી 20 ઓક્ટોબર બાદ જાહેરાત શકે છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર 16થી 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. જ્યારે આમ આદમી પાર્ટી બંને રાજ્યોમાં પૂરા દમખમથી રણમેદાનમાં ઉતરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રોથી મળતી વિગત પ્રમાણે, 20 ઓક્ટબર બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવશે. તેઓ ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.
નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે, ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.
આખરી મતદાર યાદી જાહેર: 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા
ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.